છે ભાર તો આ કેવો અનોખો રે
પુણ્યે તો મસ્તક ઊંચું ઊઠે, પાપે તો પાપણ નીચી ઢળી જાય
અસત્યે તો હૈયું રે ધડકે, સત્યે તો હૈયું હળવું થાય રે - છે...
પ્રેમ તો હૈયું હળવું રે કરે, વેર તો હૈયું ભારે કરી જાય રે - છે...
સત્કર્મોથી તો પગ ફોરા રે પડે, કુકર્મોથી તો પગ દબાતા જાય રે - છે...
અપમાને તો હૈયું ભારે રે બને, માને તો હૈયું ફૂલી ફૂલી જાય રે - છે...
આશાએ તો હૈયું હળવું બને, નિરાશાએ તો એ ભારે બની જાય રે - છે...
સુખે તો જગ હસતું લાગે, દુઃખે તો જગ ભારે વર્તાય રે - છે...
અજ્ઞાનતાનો ભાર જગમાં ડુબાડે, જ્ઞાને તો જગમાં તરી જવાય રે - છે...
કર્મનો ભાર તો ભારે લાગે, ફળ દેનાર તોય હૈયે સમાય રે - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)