રોકી ના રોકાય રે માડી, રોકી ના રોકાય માડી
ક્યારે આવીને માડી, ક્યારે તું તો ચાલી જાય - રોકી...
શું કરે ને શું ના કરે રે માડી, એ ના સમજાય - રોકી...
વાતવાતમાં દઈ દે દેખા, પાછી અદૃશ્ય થાય - રોકી...
રમાડી અમને જગમાં, ધાર્યું તારું તો કરતી જાય - રોકી...
જોવે તું જગ સારાને, આંખ તારી તો ના દેખાય - રોકી...
પહોંચે તું જગના ખૂણે ખૂણે, પગ તારા ના દેખાય - રોકી...
જગથી રહે ભલે છૂપું, તુજથી છૂપ્યું ના રખાય - રોકી...
શ્વાસે-શ્વાસે, પળે-પળે, જગમાં આણ તારી વરતાય - રોકી...
શૂન્યમાંથી સૃષ્ટિ સરજી, સૃષ્ટિ તારામાં તો સમાય - રોકી...
છેતરે તો જગમાં એકબીજાને, ના તું કોઈથી છેતરાય - રોકી...
તને સમજાવ્યા વિના માડી, બધું તું તો સમજી જાય - રોકી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)