હજારો વાતની જરૂર નથી રે માડી
એક વાતની તો જરૂર છે
જગ મને એનો ગણે, ના ગણે રે માડી
એકવાર મને તું તારો કહી દે
લક્ષ્મી મને તું દે, ના દે રે માડી
ભક્તિનું ભાથું તો દઈ દેજે
દાન બીજા તું દે, ના દે રે માડી
શ્રદ્ધાનું દાન તો દઈ દેજે
મળે ના મળે સ્થાન મને બીજે રે માડી
ચરણમાં તારા સ્થાન દઈ દેજે
ભાથું બીજું મળે ના મળે રે માડી
ભાથું ધીરજનું તો ભરી દેજે
દૃષ્ટિમાં દેખાય બીજું ના દેખાયે રે માડી
દૃષ્ટિ મારી તુજ પર રહેવા દેજે
સંભળાય ના સંભળાય બીજું રે માડી
સાદ તારો કાનમાં ગૂંજવા દેજે
સુગંધ મળે બીજી, ના બીજી રે માડી
સદ્દગુણોની સુગંધ ભરી દેજે
પગ મારા પડે બીજે, ના પડે રે માડી
સત્તપથ પર સદા ચાલવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)