વધતો, વધતો તું વધશે આકાશે, આકાશ તોય તુજથી દૂર રહેશે
ચાલતો, ચાલતો તું ચાલતો રહેશે, ક્ષિતિજ તોય તુજથી દૂર રહેશે
હાથ ફેલાવતો, તું ફેલાવતો જાશે, પ્રભુને હાથમાં ના જકડી શકશે
જ્ઞાન તો તું ભેગું કરતો રહેશે, જ્ઞાન તોય સદા અધૂરું રહેશે
ઊંડો ઊંડો અંતરમાં તું ઊતરશે, ઊંડાણ તો તું ના માપી શકશે
ગણી ગણી તું થાકી જાશે, તારા આકાશના ના ગણી શકશે
નજર, નજર તું ફેરવતો રહેશે, નજરબહાર તોય ઘણું રહેશે
શ્વાસ સદા તું ભરતો રહેશે, શ્વાસની જરૂર તોય પડશે
વીણી વીણી પથ્થર વીણશે, પથ્થર તોય મળતા રહેશે
સમુદ્રમાંથી ડોલ ભરતો રહેશે, સમુદ્ર તોય ના ખાલી થાશે
અનંત તો સદા અનંત રહેશે, અંત અનંતનો અનંત હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)