પૂછો ના પ્રભુ, મને તો તમે, હજી શું બાકી છે, હજી શું બાકી છે
રાખ્યું છે બધું અધૂરું ને અધૂરું, કરવું પૂરુ હજી એને તો બાકી છે
અટક્યા જીવનમાં અમે તો જ્યાં, શરૂ કરવું ત્યાંથી હજી તો બાકી છે
દીધું હોય ભલે ઘણું ઘણું તમે પ્રભુ, મુલાકાત તમારી હજી તો બાકી છે
દેતા રહ્યાં વિચારો અમને, ખેંચી ગયા વિચારો અમને તો સદા
વિચારોને વિચારોમાં રહ્યાં ગૂંથાયેલા અમે, વિચાર કરવો તમારો હજી બાકી છે
ત્રાસી ના જતા પ્રભુ તમે અમારાથી, યાદી અમારી બહુ લાંબી છે
યાદી પૂરી કહી નથી તમને, સાંભળવું ઘણું ઘણું તમારે હજી બાકી છે
સમજી જાજે પ્રભુ તું જરા, અનેક જનમોમાં જાણે છે તું, જનમ અમારા કેટલા બાકી છે
ઇચ્છઓને ઇચ્છાઓમાં રહ્યાં અમે દોડતાને દોડતા, ઉતારવો થાક એનો હજી બાકી છે
ભાવોને ભાવો રહ્યાં ઊછળતા હૈયાંમાં, પરિતૃપ્તિ એની તો હજી બાકી છે
કર્યાં નખરા જીવનમાં ઘણા, તોયે નખરા કરવા તમારી પાસે હજી બાકી છે
બાકી છે ને બાકી છે, યાદીમાં થાકી ના જતો, કરવો વધારો એમાં બાકી છે
થઈ ગયો ખુશ અમારા ઊપર તું પ્રભુ, કારણ પૂછવું તો હજી તો બાકી છે
રહ્યો ના ખ્યાલ અમને, દીધું જે જે તમે, કરવો ઉપયોગ એનો હજી તો બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)