સ્વીકાર સ્વીકાર રે માડી, મારા અંતરના પ્રણામ
રહ્યા છે મળતાં જીવનમાં રે માડી, ખાટા મીઠાં પરિણામ
કરતા રહ્યા છીએ અમે રે માડી, કર્મો સદાયે સકામ
પરિણામે તો સમજાયું છે, કર્મો ઉત્તમ તો નિષ્કામ
અણસમજમાં સમજતા રહ્યા, તનને જગમાં સાચો મુકામ
રહી છે સદાયે, તારી પાસ તો માડી મારા જીવનની લગામ
યુગો યુગોની છે તૃષ્ણા છૂપી, કરવા પૂરી દેજે હામ
કર્મો મારા થાતા રહે સદાયે, મળવા તને રે તમામ
માયા છે જૂઠી, તું છે સાચી, નથી મારે કોઈ બીજાનું કામ
મળશું જ્યારે ને જ્યાં, સ્વીકાર માડી મારા અંતરના પ્રણામ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)