હરિદર્શનની પ્યાસ તો હૈયે જાગે જ્યારે
ના ભૂલજે, લઈ જવા મનને સાથે ત્યારે
જાગશે હૈયામાં તોફાનો તો ખૂબ જ્યારે
જોજે તૂટે ના શ્રદ્ધા, હૈયેથી તો ત્યારે
તપશે અગ્નિમાં સોનું ખૂબ તો જ્યારે
થાશે રે શુદ્ધ એ તો ત્યારે
ભમતું મનડું, ભમતું રહેશે તો જ્યારે
શાંતિ હૈયાની હરાઈ જાશે રે ત્યારે
મૂકશે ના નિયંત્રણ કર્મો પર તારા જ્યારે
રહેજે તૈયાર, કરવા આફતોનો સામનો ત્યારે
કરશે વિકારોથી દૂષિત બુદ્ધિ તું જ્યારે
જાગશે તોફાનો ભારી, જીવનમાં તો ત્યારે
ઘેરાશે મદ, મોહના અંધકારમાં તું જ્યારે
હરાશે સદ્દવિચારોનો પ્રકાશ તો ત્યારે
માનીશ જગને સાચું, જીવનમાં તું જ્યારે
હટશે ના મનડું જગમાંથી તો ત્યારે
બદલાતી આશાએ કરશે સેવા તું જ્યારે
રહેશે ના સેવા, સેવા એ તો ત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)