મળવાં જાતા-જાતા ‘મા’ ને, મારગડે રે હું તો અટવાઈ ગયો
કરી મનસૂબો માયાને ભૂલવા, માયામાં ‘મા’ ને હું તો ભૂલી ગયો
રૂપ અનોખા એના ના સમજાયા, એમાં હું તો લલચાઈ ગયો
ખેંચાયો ખેંચાણમાં રે એના, મળવું ‘મા’ ને હું તો ભૂલી ગયો
ખૂંપ્યો એમાં એવો રે હું તો, સાનભાન બધું હું તો ભૂલી ગયો
રહ્યો સમય તો વીતતો ને વીતતો, મળવાનો મનસૂબો ચૂકી ગયો
મનની બડાશ મારી મનમાં રહી, માયામાં ખૂબ હું નાચી રહ્યો
સમજવા છતાં સમજણ ખૂટી, લાચાર એમાં હું તો બની ગયો
નીકળ્યો હતો સિંહ બનવા, માયામાં સસલું બની ગયો
રડવું કે હસવું મારી અવસ્થા પર, પશ્ચાત્તાપ હૈયે જાગી ગયો
કૃપા યાચું માડી હું તો તારી, તમારા શરણમાં મને લઈ લો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)