થયા વિચારો ને એક જ્યાં હૈયા, પોતાના એ તો બનવાના ને રહેવાના
ડાંગે માર્યા પાણી, ભલે પડે જુદા, પાછા એ તો એક થવાના
બન્યા અમારા જ્યાં એકવાર જે, એ તો અમારા ને અમારા રહેવાના
રાખી જુદાઈ એક બનવામાં જેણે, એ તો જુદા ને જુદા રહેવાના
પરપોટા ઊઠીને જળમાં, આવી ઉપર, પાછા એ જળમાં સમાવાના
હતી ના હસ્તી એની જુદી, જનમી પાછાં એ તો જળમાં રહેવાના
ભળી ના શક્યા જે જળમાં, રહેશે કાં એ ઉપર તરતા, કાં તળિયે બેસવાના
વળગ્યા જે નખ ચામડીને, કપાતા નખ એ, દુઃખ એના તો થવાના
બન્યા જ્યાં એક જીવનમાં, સુખદુઃખ હૈયે એવા તો અનુભવવાના
બનશો પ્રભુ સાથે એક એવા, સુખદુઃખ પ્રભુના હૈયે ઊછળવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)