રચના તો જગની, એ તો કાંઈ અકસ્માત નથી
છો જગના રચયિતા તમે તો પ્રભુ, શંકાને એમાં કોઈ સ્થાન નથી
ચાલે ને ચલાવો છો જગને સદા તો નિયમોથી
છો અસીમ બુદ્ધિશાળી તમે તો પ્રભુ, શંકાને એમાં કોઈ સ્થાન નથી
જોડયા હૈયા જગમાં, કંઈકના તમે તો ભાવથી
છો તમે ભાવના સાગર રે પ્રભુ, શંકાને એમાં કોઈ સ્થાન નથી
કર્યા માફ તમે તો માનવને, ભૂલોથી માનવ કોઈ મુક્ત નથી
છો તમે તો દયાના સાગર રે પ્રભુ, શંકાને એમાં કોઈ સ્થાન નથી
મળી રહે જગમાં કોઈને કોઈ તો પ્રેમપાત્ર, એમાં કોઈ કમી નથી
છો તમે તો પ્રેમના સાગર રે પ્રભુ, શંકાને એમાં કોઈ સ્થાન નથી
માનવ માનવની હસ્તી મિટાવવા મથતા રહે
રક્ષણ કરતા રહ્યા છો તમે રે પ્રભુ, શંકાને એમાં કોઈ સ્થાન નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)