ગોતી ગોતી શાંતિ જીવનમાં, જગમાં તો બધે ફરી ફરી
મળી ના મળી જ્યાં જીવનમાં, ના સ્થિર એ તો રહી
લાગ્યું મનને, મળતાં જે ચીજ, મળશે શાંતિ, મળતાં, શાંતિ ના મળી
જાગી ત્યાં તો બીજી રે ઇચ્છા, પરિસ્થિતિ પાછી એની એ જ રહી
રહી જાગતી ને જાગતી ઇચ્છાઓ, રહી વણઝાર એ ના અટકી
કરવા પૂરી ઇચ્છાઓ ને ઇચ્છાઓ, જિંદગી તો વીતતી રહી
ઇચ્છાઓ ને ઇચ્છાઓમાં, મૂળ ઇચ્છા તો અટવાઈ ચૂકી
મૂળ ઇચ્છાની સમાપ્તિમાં, રહ્યો છે શાંતિસાગર તો વહી
પ્રભુદર્શનમાં થાય બધી ઇચ્છાઓ પૂરી, ના જવું કદી એ તો ચૂકી
દર્શનની ઝંખનાએ ને ઝંખનાએ, દેવું જીવન તો બધુંયે ભરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)