મોજડી તો માથે ના પહેરાય, પાઘડી તો પગે ના બંધાય
જ્યાં જેનું તો સ્થાન છે, ઉપયોગ એનો તો ત્યાંજ કરાય
વહાણ રસ્તે ના ચલાવાય, ગાડું તો સાગરમાં ના હંકારાય - જ્યાં...
કાતરથી તો લાકડું ના કપાય, કરવતથી તો કપડું ના વેતરાય - જ્યાં...
હાથથી તો ના ચલાય, પગથી તો તાળી ના પડાય - જ્યાં...
આંખથી તો ના સંભળાય, કાનથી તો ના જોવાય - જ્યાં...
શાહી તો ના પીવાય, ને પાણીથી તો ના લખાય - જ્યાં...
અન્નના તો મહેલ ના રચાય, ને પથ્થર તો ના ખવાય - જ્યાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)