લખાયું છે કે નહિ જે તારા ભાગ્યમાં, એની તને તો ખબર નથી
સ્વીકારી સંજોગોની નિરાશા, પુરુષાર્થના હથિયાર કેમ તેં ત્યજી દીધાં
મળ્યો કે ના મળ્યો સાથ જગમાં તને, મળ્યા સાથના વાયદા તો ઘણાં
જોઈ રાહ તેં અન્યના સાથની, વિશ્વાસના સાથ તારા તેં કેમ ત્યજી દીધાં
જાણ્યું કે સંસાર એક જંગ છે, પડશે ઝઝૂમવું સદા તો એમાં
જય-પરાજયના તો વિચારમાં, હથિયાર હિંમતના હેઠાં તેં કેમ મૂકી દીધાં
ના હોય કાંઈ જાણકારી બધાની, ના હોય આવડત તો સર્વ કોઈની
છુપાવવા ક્ષતિઓ એ તો તારી, આળસના સ્વાંગ કેમ તેં સજી લીધા
આતમદીપક તો હૈયે જ્યાં જળહળે, તેલ શ્રદ્ધાના કેમ તેં ના પૂર્યા
પ્રકાશ એના તો ઝાંખા પડયા, નજરમાં કેમ તારા એ તો ના ચડયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)