હાથના કર્યા તો હૈયે વાગ્યા છે, નેવના પાણી તો મોભે ચડયા છે
આ સંસારી જીવડો તોય જીવન જીવવા ઝંખે છે
નિરાશાના ઘૂંટડા મળતા રહે છે, નજરમાં રસ્તા બધા બંધ પડયા છે - આ સંસારી ...
અંગે-અંગે તો રોગ ઘેરાયા છે, અન્નને ને દાંતને તો વેર થયા છે - આ સંસારી ...
રૂંવાડે-રૂંવાડે ઋણ ભર્યા છે, ચૂકવવાના રસ્તા ઊલટા પડયા છે - આ સંસારી...
પળે-પળે તો અપમાન મળે છે, જીવનભર તો વધતા રહ્યા છે - આ સંસારી...
મૂંઝવણે મૂંઝવણ વધતી રહી છે, ના મારગ એમાં તો મળે છે - આ સંસારી...
દુઃખના ડુંગર તો વધતા રહ્યા છે, કારણ ગોત્યા ના જડે છે - આ સંસારી
સંસાર તાપના અફાટ રણ પડયા છે, છાંયડાની આશા ઠગારી નિવડે છે - આ સંસારી...
ગૂંચવણના ગૂંચવાડા વધતા રહ્યા છે, પ્રભુના મારગ ના પકડયા છે - આ સંસારી ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)