પગલે પગલે ઉપર તો તું ચડતો જા, છે ચડવા ચઢાણ જગમાં તો ઊંચા
શ્વાસેશ્વાસમાં તો તારા, ભરજે તું શક્તિ, વેડફતો ના શ્વાસ જગમાં તો ખોટા - છે...
ધીરે ધીરે પણ મક્કમતાથી ચડજે ઉપર, જોજે લપસવાના આવે ના વારા - છે...
ચડતો જાજે તું જ્યાં ઉપર ને ઉપર, મળે ભલે તને અજવાળા કે અંધારા - છે ...
મળે ના ભલે વિસામા કે છાંયડા, છે ચડવા તો ચઢાણ જગમાં તો ઊંચા - છે...
કરવા પડશે પાર, ખાડા ને ટેકરા, પડશે પાર તો કરવા,પથ્થર ને કાંકરા - છે...
શ્વાસેશ્વાસ તો તારા, જાશે રે વધતા, વધતા રહેશે તારા હૈયાના ધબકારા - છે...
થાક તને રહેશે મૂંઝવતો, આવશે તને કદી તો, થાકના રે અંધારા - છે...
ચડતો જાજે તું ઉપર ને ઉપર, પીતો જાજે રે તું, અમૃત તો પ્રભુની શ્રદ્ધાના - છે...
ઊતરશે થાક તારા, મળશે જ્યાં શિખરના આરા, છે ચડવા ચઢાણ જગમાં તો ઊંચા - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)