રોજેરોજ કાંઈ પૂનમની રાત તો હોતી નથી, રોજ અમાસ કાંઈ રહેવાની નથી
સુખની છાયા તો કાયમ રહેતી નથી, દુઃખના વાદળ કાયમ કાંઈ રહેવાના નથી
ભાવેભાવની ઊછળતી હૈયે ભરતી, કાયમ ઊછળતી તો એ રહેવાની નથી
વરસાદની ધારા તો કાંઈ કાયમ મુશળધાર વરસતી નથી
રોજ હાસ્યના ફુવારા કાંઈ ઊડતા નથી, રુદનની લહાણી કાયમ કાંઈ હોતી નથી
આવ્યો ભલે એકલો તો તું જગમાં, જગમાં એકલો કાંઈ તું રહેવાનો નથી
સુધરવાના મક્કમ નિર્ધાર વિના, જગમાં કોઈ તો સુધરતું નથી
રાહે ચાલતા વિશ્વાસે ને મક્કમતાથી, રાહ તો પૂરી થાતી નથી
દુર્ગુણોનો સામનો કર્યા વિના, સદ્દગુણોનો વિકાસ જીવનમાં થાતો નથી
પ્રભુના ધ્યાનમાં ને ભાવમાં લીન થયા વિના, પ્રભુ જીવનમાં મળતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)