ના જોવાનું જોવે તો જ્યાં આંખો રે, જાગે હૈયે ત્યાં તો કામવિકારો રે
મુખ તો કરે ના કરવાની વાતો રે, રે મનવા ઉઠાવ્યો ના વાંધો, કેમ ત્યારે તેં એનો રે
રોકી ના જ્યાં તેં બધી લાલચો રે, રહ્યો એમાં તો સદા તણાતો રે
કર ના હવે એની તો ફરિયાદો રે, રે મનવા ઉઠાવ્યો ના વાંધો, કેમ ત્યારે તેં એનો રે
રહ્યો વિતાવતો સમય તો તું આળસમાં રે, રહ્યા કામ તારા અધૂરાં ને અધૂરાં રે
શાને કહે છે હવે, સમય ઓછો પડ્યો રે, રે મનવા ઉઠાવ્યો ના વાંધો, કેમ ત્યારે તેં એનો રે
હતી શક્તિ ભરી-ભરી તનમાં તો જ્યારે રે, કર્યો ના ઉપયોગ સાચો તો એનો રે
પાડે છે બૂમ હવે શાને અશક્તિની રે, રે મનવા ઉઠાવ્યો ના વાંધો, કેમ ત્યારે તેં એનો રે
રહ્યો ઘેરાતો તું માયાની નીંદરમાં રે, જાગ્યો ના, જ્યાં તું તો એમાંથી રે
રહી મંઝિલ દૂર ને દૂર તો તુજથી રે, રે મનવા ઉઠાવ્યો ના વાંધો, કેમ ત્યારે તેં એનો રે
તારા કરેલા કર્મો, થાતાં નથી સહન હવે રે, અકળાતો ને અકળાતો હૈયે રહ્યો રે
દોષ પ્રભુનો, હવે શાને તું શોધે રે, રે મનવા ઉઠાવ્યો ના વાંધો, કેમ ત્યારે તેં તો એનો રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)