છું મજબૂર ભલે હું રે માડી, મારી મજબૂરીની દયા ના તું ખાતી
દેવાય તો દેજે, શિક્ષા આકરી મને રે માડી, ખાઈ દયા, મજબૂરી વધવા ના દેતી
છું મજબૂર હું તો વિકારોથી, દેવાય તો દેજે, કાં ભક્તિ કાં શક્તિ તારી
છે પકડ વિકારોની મજબૂત એવી, પવાય તો પાજે, નામામૃતની ધારા રે તારી
બાળી શકશે જ્ઞાનની ધારા એને તો તારી, દેજે સફળતા એમાં મને તો માડી
છે રસ્તા અનેક તારા તો માડી, દેજે એમાંથી એક રસ્તો મને તો સુઝાડી
છે તું દયાસાગર, દયા કરનારી, પણ ખોટી દયા ના ખાતી તું મારી
રાખ્યો છે વિકારમાં જ્યાં મને ડુબાડી, દયા તારી મને નથી સમજાતી
દેવાય તો દેજે સમજણ તારી, અહેસાનનો બોજ પડશે મને રે ભારી
ચૂકવવા બેઠો છું ઋણ જ્યાં હું માડી, કરવી છે ઋણની ચૂકવણી તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)