છું હું ભૂલોનો ભંડાર માડી, એકરાર એનો તો કરું છું
નમ્રભાવે તને નમન કરીને માડી, તારી પાસે આવ્યો છું
વિતાવ્યો છે વ્યર્થ સમય ઘણો જીવનમાં, સ્વીકાર એનો કરું છું – નમ્રભાવે…
સાચી-ખોટી પકડી રાહો, ભટકતો જીવનમાં, હું તો રહ્યો છું – નમ્રભાવે…
કર્યા કાળા-ધોળા જીવનમાં, હેરાન કર્યા અનેકને ઘણા, માફી એની માગું છું – નમ્રભાવે…
અહંમાં છક્યો, અભિમાને વકર્યો, ડંખ એનો હૈયે તો ધરાવું છું – નમ્રભાવે…
લાખ કોશિશે ના પલટાયું ભાગ્ય મારું, કર્મની ગૂંથણી સ્વીકારું છું – નમ્રભાવે…
ખુદને અનુભવ દુઃખનો મળતાં, અન્યનું દુઃખ હવે સમજું છું – નમ્રભાવે…
જનમ-જનમથી રાખી તને દૂર ને દૂર, નિકટતા તારી હવે ચાહું છું – નમ્રભાવે…
દિલ ઢંઢોળતા ઊડે યાદની ધૂળો, સાફ એને તો કરતો જાઉં છું – નમ્રભાવે…
રહેજે સદા તું મારી નજરમાં, નજર એવી તારી પાસે માગું છું – નમ્રભાવે…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)