અંદર રહેલ વિકારોના કીડા, અંતર તારું કોતરતાં તો જાય છે
રહ્યા છે કોતરતાં મીઠાશથી તો એવા, ના એ તો સમજાય છે
દેખાય છે બહારથી જે તું, એ તો શાંતિનું ખોખું દેખાય છે
નિર્દોષ હાસ્ય તારા બાળપણનું, ધીરે-ધીરે લુપ્ત થાતું જાય છે
નજરની નિર્મળતા તો તારી, હવે તો એ, શોધી ના શોધાય છે
તારો મુક્ત કિલકિલાટ બાળપણનો તો, મોંઘેરો બનતો જાય છે
આવતા દોડી, જે-જે પાસે તારી, હવે એ તો દૂર ને દૂર જાતાં જાય છે
સમય, બેસમયની મસ્તી તારી, ભુલાઈ, કપટ સ્થાન લેતું જાય છે
ના દેખાતી ચિંતાની રેખાઓ, હવે મુખ પર સ્પષ્ટ દેખાતી જાય છે
પ્રભુપ્રેમ સુધારસમાં એવાં ડૂબતા, પાછું એ તો મળી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)