થશે કર્મો જગમાં તો જેના પૂરા, રહી એ તો શકવાના નથી
થાતાં કામ પૂરાં શ્વાસોના, બહાર નીકળ્યા વિના રહેવાના નથી
જ્યાં જેનું કાર્ય થાશે પૂરું, ત્યાં એ તો ટકવાના નથી
અન્ન કરી કાર્ય પોતાનું પૂરું, તનમાં તો એ ટકવાનું નથી
લેણદેણ થાશે જ્યાં જેની પૂરી, પાછા એ આવવાના નથી
ધનદોલત કાર્ય કરી એનું પૂરું, વિદાય લીધા વિના રહેવાના નથી
છે ક્રમ આ તો કુદરતનો, એને સ્વીકાર્યા વિના તો છૂટકો નથી
પળ તો પળનું કામ બજાવી, સર્યા વિના એ રહેવાની નથી
સમય સમય પર ભરતી ઓટ આવી, પાછી ગયા વિના રહેવાની નથી
હર વૃત્તિ ને ભાવ જાગે, લય થયા વિના એ રહેવાના નથી
પ્રભુ જાગી છે સૃષ્ટિ તો તુજમાંથી, તુજમાં લય થયા વિના રહેવાના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)