છે અને કર્યા કંઈક ઉપકાર, મુજ પર તેં તો માડી રે
હજી એક ઉપકાર તો કરવો તારે તો બાકી છે
દીધા અને ફેરવ્યા, જનમો-જનમના તેં તો કંઈક ફેરા રે
અટકાવવા એને હજુ તો બાકી છે
દીધું જીવનમાં મને રે માડી તેં તો ઘણું-ઘણું રે
હજી એક ચીજ દેવી રે માડી તોય બાકી છે
દીધું અનોખું મન, મને તેં તો માડી રે
કરવું સ્થિર એને તો હજી બાકી છે
દીધું ભાવનાભર્યું હૈયું, તેં તો મને માડી રે
હજી એક ભાવના એમાં ભરવી તો બાકી છે
તુજ ચરણમાં લીન રહે, ભાવના એ ભરવી હજી બાકી છે
સમજ આપી જીવનમાં ઘણી તેં તો મને માડી રે
હજી એક સમજ દેવી હજી તો બાકી છે
છું હું કોણ, સમજાવવું ને ટકાવવું હજી બાકી છે
દીધા ને કરાવ્યા કંઈકના દર્શન જીવનમાં મને રે માડી
હજી એક દર્શન તો બાકી છે
કરાવ્યા દર્શન તારી માયાના તો જગમાં, કરાવવા દર્શન તારા હજી બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)