નજર નથી આવતો રે જગમાં તો તું રે પ્રભુ
ગણું એને અમારી નજરની કમજોરી, કે કરું કદર તારી તો હોશિયારીની
લાગે કદી તું તો પાસે, લાગે કદી તો તું દૂર
ગણું એને અમારા હૈયાની કમજોરી, કે કરું કદર તારી તો હોશિયારીની
લાગે કરીએ છીએ જગમાં અમે બધું, થાયે ધાર્યું જગમાં તારું રે પ્રભુ
ગણું એને અમારી બીનસમજદારી, કે કરું કદર તારી તો હોશિયારીની
કદી કર્મની ઉલઝન ઊભી કરે, કદી કૃપામાં નવરાવે તું તો પ્રભુ
ગણું એને અમારા કર્મની જવાબદારી, કે કરું કદર તારી તો હોશિયારીની
શક્તિનું અહં અમારામાં તો જગાવે, શક્તિનો સાગર જ્યાં છે તું રે પ્રભુ
ગણું એને અમારી નબળાઈ, કે કરું કદર તારી તો હોશિયારીની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)