મળ્યું છે સહુને જે-જે રે જીવનમાં, સંતોષ તો એમાં, કોને રહ્યો છે
મળ્યું છે તન તો સહુને રે જુદું, ચાહત સાથે ફરિયાદ તો રહી છે - સંતોષ...
મળ્યા છે સંજોગ સહુને તો જુદા, ફરિયાદ એની સહુની તો રહી છે - સંતોષ...
મળી છે ધનદોલત ને બુદ્ધિ તો સહુને, ફરિયાદ એની તો ઝાઝી રહી છે - સંતોષ...
મળ્યું છે વાતાવરણ તો સહુને જુદું, બદલી એમાં તો સહુએ ચાહી છે - સંતોષ...
દીધું છે હૈયું તો સહુને પ્રભુએ, ફરિયાદ ભાવોની તોય ઊભી છે - સંતોષ...
સુખની ચાવી તો સહુમાં છે મૂકી, ફરિયાદ દુઃખની તોય ઊભી છે - સંતોષ...
રાખ્યા ના વંચિત આનંદથી કોઈને, જરૂરિયાત આનંદની તોય ઊભી છે - સંતોષ...
દેતા ને દેતા પ્રભુ તો રહ્યાં છે, માંગણી તોય કોની રે અટકી છે - સંતોષ...
બુદ્ધિ સહુને તો ઘણી મળી છે, જીવનમાં ઝઘડા તો ક્યાં અટક્યા છે - સંતોષ...
રાખ્યા ના વંચિત પ્રેમથી તો કોઈને, પ્રેમથી કોણ જગમાં ધરાયા છે - સંતોષ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)