ડંખ લાગ્યો હૈયાને રે ઊંડો, ડંખ એ તો હૈયાને ડંખતો રહેશે
સમય મલમપટ્ટી કદી એની કરશે, કદી તોય ના એ તો રૂઝાશે
કદી-કદી ડંખ વિષ બનીને તો બહાર આવી જાશે - ડંખ...
ડંખેલાના ડંખ તો જીરવવા, જીવનમાં આકરા બની રે જાશે - ડંખ...
કદી-કદી એ તો પ્રકૃતિમાં બદલી લાવી રે એ તો જાશે - ડંખ...
જોશે ના જગમાં એ તો બીજું રે કાંઈ, વેદના એ તો ઓક્તો જાશે - ડંખ...
વળતો ડંખ મારીને, કદી-કદી એ તો અટકી રે જાશે - ડંખ...
લાગ્યો ડંખ જ્યાં શબ્દનો, હૈયું એ તો કોરી રે જાશે - ડંખ...
ડંખ લાગ્યો જ્યાં પ્રેમનો, બીજું બધું એ તો ભુલાવી જાશે - ડંખ...
લાગશે ડંખ જ્યાં સાચી ભક્તિનો, જીવન એ તો સુધારી જાશે - ડંખ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)