રહીએ ભલે અમે એક ઠેકાણે, ભેગા અમે તોય રહેતા નથી
વહે પ્રવાહ અમારા તો નોખનોખા, એક દિશામાં એ તો વહેતાં નથી
કરીએ કોશિશો, નિર્ણયો પર કાબૂ લેવા, નિર્ણયો બીજા અમને ખપતા નથી
મૂંઝવતા રહીએ અમે બુદ્ધિને, મૂંઝવ્યા વિના એને અમે રહેતા નથી
તાણાતાણી થઈ જાય જ્યાં અમારી શરૂ, દયાજનક હાલત કર્યા વિના રહેતા નથી
મક્કમતા વિના અમે ગાંઠિયે નહિ, કાચાપોચાને ઊભા રહેવા દેતા નથી
ગમે અમને કાબૂ મેળવવો, એના વિના અમે તો જંપતા નથી
આવે જ્યાં એ તો કાબૂમાં, કાં ખાસડાં, કાં વાહવાહ અપાવ્યા વિના રહેતા નથી
બની લાચાર રમે માનવ અમારા હાથમાં, માનવી તોય સમજતા નથી
કરે જ્યાં એ યત્નો તો થોડા, સામનો કર્યા વિના અમે રહેતા નથી
આવે ભલે દયા અમને તો એની, તોય અમે એને તો છોડતા નથી
મક્કમતા વિના અમે ગાંઠિયે નહીં, કાચાપોચાને ઊભા રહેવા દેતા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)