થાય ના થાય મિલાપ તારો રે પ્રભુ, અજાણ્યા આપણે તો નથી
રહે ના રહે મને ભલે યાદ એની રે, પ્રભુ યાદ તારી તો ભૂંસાતી નથી
છે તું તો સદા પૂર્ણ રે પ્રભુ, કમી તને તો કોઈ વાતની નથી
હરપળે વરતાય કમી તો મને, પૂર્ણતાને હજી હું તો પામ્યો નથી
કાર્ય તારાં તો સદા થાતાં રહે, કોઈ યત્નોની તને તો જરૂર નથી
યત્નો સદા હું તો કરતો રહું, સફળતા સહુ યત્નોને વરતી નથી
છે સર્વશક્તિમાન તું તો પ્રભુ, તારી શક્તિને તો સીમા નથી
છું તારી શક્તિને ઝંખતો હું બાળ તારો, તારી શક્તિ વિના બીજી શક્તિ નથી
આવવું છે પાસે તારી તો મારે, તારે ક્યાંય જવાની જરૂર નથી
બનવા દેજે મને સદા તો તારો, તું બને કે ના બને, રાહ એની જોવી નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)