લઈ લે તું હૈયાને હાથમાં, મનડાને તો સાથમાં, જાવું છે જ્યાં તારે તો ‘મા’ ને દ્વાર
રાખી વૃત્તિને કાબૂમાં, જાજે ડૂબી એના ભાવમાં, જાવું છે જ્યાં તારે તો ‘મા’ ને દ્વાર
લોભ-લાલચને નાથીને, ભરી વિશ્વપ્રેમ તો હૈયે, જાવું છે જ્યાં તારે તો ‘મા’ ને દ્વાર
નમ્રતાથી તો નમતા રહી, દૃષ્ટિમાં તો છબી એની ભરી, જાવું છે જ્યાં તારે તો ‘મા’ ને દ્વાર
ગુણોના ભંડાર ભરી, ક્ષમા-ધીરજને તો સાથે લઈ, જાવું છે જ્યાં તારે તો ‘મા’ ને દ્વાર
ચિંતને-ચિંતને એને ચીંતી, શ્વાસે-શ્વાસે સમાવી એને, જાવું છે જ્યાં તારે તો ‘મા’ ને દ્વાર
યત્નોમાં તો ના પાછા હટી, શાંતિ ને સમતા હૈયે ધરી, જાવું છે જ્યાં તારે તો ‘મા’ ને દ્વાર
સત્ય પથ પર તો ચાલી, અવગુણોને તો હટાવી, જાવું છે જ્યાં તારે તો ‘મા’ ને દ્વાર
પ્રભુપ્રેમનાં ભોજન તો પામી, હૈયે એને તો સ્થાપી, જાવું છે જ્યાં તારે તો ‘મા’ ને દ્વાર
રાહ જીવનમાં ખોટી જાગી, બનીને ‘મા’ ના અનુરાગી, જાવું છે જ્યાં તારે તો ‘મા’ ને દ્વાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)