રહેવું છે જગમાં, કહ્યામાં કોણે તો કોના રે, સહુ ચાહે, રહે સહુ કહ્યામાં પોતાના રે
રાખવા છે દાબમાં તો બીજાને રે, રહેવું નથી કોઈએ કોઈના તો દાબમાં રે
ચાહે સહુ મળે બધું, વગર મહેનતે, થાય ના તૈયાર, ચૂકવવા તો કિંમત રે
પડે નજર અવગુણો પર તો બીજાની, જુએ ના અવગુણ તો પોતાના રે
જોઈ હાલત બૂરી, હસે મનમાં રે, ચાહે હસે ના હાલત જોઈ બૂરી પોતાની રે
લેવા છે અન્યને તો સહુએ દાવમાં રે, નથી આવવું કોઈએ કોઈના દાવમાં રે
કરવું છે સહુએ પોતાનું ધાર્યું, કોઈનું ધાર્યું તો જગમાં કરવું નથી રે
રાખવા છે સહુએ નજરમાં બીજાને, કોઈની નજરમાં કોઈએ રહેવું નથી રે
જોઈએ છે જગમાં સહુને પોતાને, કોઈને તો કાંઈ જગમાં દેવું નથી રે
ચાહે છે સહુ, રહે માન પોતાનું, દેવા માન અન્યને, તૈયાર નથી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)