છે જીવન તો તારું, છે બોલતી તસવીર તો તારી, તારી તસવીરને તું બોલવા દે
છે એમાં તારા અંગેઅંગનું તારું દર્શન, તારું દર્શન એમાંથી તો થાવા દે
હશે પાસા બધા એમાં તો તારાને તારા, એકે એક પાસાને એમાં તું ઝળકવા દે
ઢાંકી શકીશ ના એમાં કોઈ અંગ તારું, તારા જીવનનું દર્શન એમાથી તું થાવા દે
છે જીવન એ તો પ્રાણવંત પાસુ રે તારું, પ્રાણવંત એને તો તું રહેવા દે
હશે તસવીર તારી રે એવી, હશે જીવન તારું જેવું, એને તો તું ઉપસવા દે
હશે તસવીર ધૂંધળી જો તારી, હશે જીવન ધૂંધળું તારું, તસવીરને તું કહેવા દે
છે તસવીર તારી એ તો તારા જીવનની, તસવીરને કહેવું હોય એ તું કહેવા દે
તને ગમશે કે ના ગમશે, એ તો કહેવાની છે, એને તો તું બોલવા દે
કર્યું હશે જીવનમાં જેવું તેં, તસવીરમાં એ આવી જાશે, ફોગટ નખરા બીજા તું રહેવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)