મળ્યો-મળ્યો હે જીવ, તું અન્યને જગમાં, મળવું ખુદને, હજી તો બાકી છે
ઘણું-ઘણું પામ્યો હે જીવ, તું જગમાં, પામવું સાચું, હજી તો બાકી છે
હશે મળી જગમાં જીત તો ઘણી, ખુદને જીતવું, હજી તો બાકી છે
સ્થિર થાવા જગતમાં કોશિશો કરી, કરવું મનને સ્થિર, હજી તો બાકી છે
જાણ્યું વ્યાપ્યો છે પ્રભુ તો સહુમાં, અપનાવવા સહુને, હજી તો બાકી છે
છોડવા જગ, કરી તૈયારી કે ના તૈયારી, છોડવા વિકારો જીવનમાં, હજી તો બાકી છે
ભવોભવની કરી મુસાફરી તો ઘણી, ના જાણું, ભવ કેટલા હજી તો બાકી છે
જાણ્યું-જાણ્યું તો જગમાં ખૂબ જાણ્યું, જાણવો પ્રભુને હજી તો બાકી છે
લીધા નિર્ણયો જીવનમાં તો ઘણા, લેવો મુક્તિનો નિર્ણય, હજી તો બાકી છે
ચાલ્યા જીવનમાં તો ઘણું-ઘણું, મુક્તિની રાહે ચાલવું, હજી તો બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)