ચેતાય તો ચેતજે રે મનવા, જીવનમાં ચેતાય તો તું ચેતજે
બે જીભે વાતો કરનારા, એક દિન તને, ડંખ માર્યા વિના રહેશે નહિ
કરશે જીવનમાં તો મોટી-મોટી વાતું, પડતાને મારશે એ તો પાટું - ચેતાય...
કરશે ના મદદ, તારું દુઃખ દૂર કરવા, અપાવતા રહેશે યાદ એની રે - ચેતાય...
બની ના શકશે કોઈ તો કોઈના, દીધા છે પ્રભુને જીવનમાં તો વિસારી રે - ચેતાય...
મનગમતા સહુ અર્થો કાઢી, કામ જીવનમાં તો કાઢતા રહેશે રે - ચેતાય...
ધર્મની તો ઢાલ બનાવી, જીવનમાં તો, અધર્મ આચરતા રહેશે - ચેતાય...
મીઠી-મીઠી વાતો કરતા રહી, ગળું જીવનમાં તો કાપતા રહેશે - ચેતાય...
મક્કમ બની જીવનમાં આગળ વધશે, અનેક તારા પગ તો જકડી રાખશે - ચેતાય ...
મંઝિલ જ્યાં નક્કી નથી, સંજોગો દૃષ્ટિ તારી ના સ્થિર રહેવા દેશે - ચેતાય...
પીળું એટલું સુવર્ણ સમજી ના લેજે, કસોટીમાંથી પાર ઊતરવા એને દેજે - ચેતાય...
પ્રભુ પામ્યા વિના, જીવનમાં ના શાંતિ મળશે, પામ્યા વિના એને, ના તું રહેજે - ચેતાય...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)