તારી કૃપાનું બિંદુ રે માડી, રંગ જીવનમાં અનેરો લાવી દે
વહેતા સમયના દોરને રે માડી, ત્યાં ને ત્યાં થંભાવી દે
લખ્યા લેખ જે વિધાતાએ રે માડી, એ તો એ મિટાવી દે
કંટકભર્યા રસ્તામાં રે માડી, ફૂલ એ તો બિછાવી દે
ધોમધખતા રણમાં રે માડી, મીઠી વીરડી ઊભી કરી દે
વેરાન વનમાં રે માડી, હરિયાળી એ તો ઊભી કરી દે
અશક્યને જીવનમાં રે માડી, શક્ય એ તો બનાવી દે
વગર તેલે રે માડી, જીવનદીપ એ તો જલાવી દે
જીવનની ખડકાળ ધરતીમાં પણ, કોમળ કૂંપળ ઉગાડી દે
પાપીમાં પાપી માનવને પણ, ભગવાન એ બનાવી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)