ભાવભરી ભક્તિને તું ચેતનવંતી રાખજે, છે ચેતનમાં તો શક્તિનું બિંદુ ભર્યું
હૈયાને શ્રદ્ધામાં સદા તરબોળ રાખજે, છે શ્રદ્ધામાં તો શક્તિનું તેજ ભર્યું
હૈયાને પ્રેમમાં ભર્યું-ભર્યું સદા રાખજે, છે પ્રેમમાં તો શક્તિનો સ્રોત ભર્યો
જીવનને સદ્દગુણોથી સદા વણી રાખજે, છે સદ્દગુણોમાં શક્તિનું બળ ભર્યું
હૈયામાં સદ્દભાવને સદા જાગ્રત રાખજે, છે સદ્દભાવમાં શક્તિનું તેજ ભર્યું
દૃષ્ટિમાં તું નિર્મળતા રાખજે, છે નિર્મળતામાં તો શક્તિનું બિંદુ ભર્યું
વાણીમાં સદા સંયમ તું રાખજે રે, છે સંયમમાં તો શક્તિનું બળ ભર્યું
વિચારોને શુદ્ધ સદા તું રાખજે રે, છે શુદ્ધ વિચારોમાં શક્તિનું તેજ ભર્યું
દિલ સદા વિશાળ તું રાખજે રે, છે વિશાળ દિલમાં શક્તિનું બિંદુ ભર્યું
ચિત્તને પ્રભુ સદા સ્થિર રાખજે રે, છે સ્થિર ચિત્તમાં શક્તિનું બળ ભર્યું
મનને પ્રભુમાં લીન સદા તું રાખજે રે, છે લીન મનમાં શક્તિનું તેજ ભર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)