રહીને તો જગમાં રે, જગને તો ભૂલવાનું છે
કરતાં રહીને કર્મો, કર્તાના ભાવો છોડવાના છે
ત્યજીને મોહ-નિદ્રા રે, આતમ જાગ્રત કરવાનો છે
સહીને દુઃખ તો જગમાં, સદા હસતા રહેવાનું છે
વિસારી કામ-ક્રોધને, દયા-ધરમ ના વીસરવાના છે
મન પર મૂકી નિયંત્રણ, પ્રભુમાં એને જોડવાનું છે
આવ્યો છે માનવ બનીને, કર્તવ્ય નિભાવવાનું છે
પડેલું અંતર તારા ને પ્રભુનું, એ તો કાપવાનું છે
વૃત્તિઓ રહી છે સદા ફૂટતી, કાબૂમાં રાખવાની છે
હરપળે ને શ્વાસે, નામ પ્રભુનું તો ગૂંથવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)