હૈયું કહે મનડાને, કરી લે તું પ્રભુથી રે પ્રીત, કરી લે પ્રભુથી રે પ્રીત
મનડું કહે હૈયાને, નથી કાંઈ એ તો મારી રીત, નથી કાંઈ એ તો મારી રીત
બોલાવ્યો હૈયાએ ભાવને રે, કહે મનડાને, છીએ હવે અમે તો બે
બોલાવી બુદ્ધિને મનડાએ ત્યારે, કહે હવે તું ભી તો જોઈ લે
દોડી આવી શ્રદ્ધા ત્યાં તો, કહે મનડાને, જીદ હવે તું છોડી દે
શંકા મનની વહારે ત્યાં તો ચડી, કહે જોઈએ, જીત કોની થાય છે
ધીરજ ત્યાં આવી રે દોડી, કહે હૈયાને, સાથ તને તો મારો છે
આળસ ત્યાં આવી ભાગી, કહે હવે, જોડી અમારી ભી જામી છે
મંડાયા છે મોરચા ત્યાં સામસામે, ખેંચાખેંચી તો ખૂબ ચાલે છે
ઘડી એક બાજુ, ઘડી બીજી બાજુ, બાજી જીતની પલટાતી રહે છે
પ્રભુ જોઈને તાલ આ તો, વહારે ચડવા ત્યાં ધસી આવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)