થવું છે એક જ્યાં પ્રભુ સાથે, હસ્તી બેની તું મિટાવી દેજે
વિચારો ત્યજીને બીજા બધા, વિચારો એના તો તું ભરી દેજે
હટાવી હૈયેથી ભાવો રે બીજા, ભાવો એના તો તું ભરી દેજે
ચિંતાઓ તો જાગે ન જાગે, ચિંતા બધી એને તું સોંપી દેજે
એકત્વ સાધવું છે રે જ્યાં, સહુ સાથે એક તો તું બની જાજે
છે ભર્યું-ભર્યું તો બધું તુજમાં, હૈયેથી અસંતોષ હટાવી તો દેજે
ભૂલીને તને કર્તા તો કર્મનો, પ્રભુને કર્તા એનો બનાવી દેજે
રહ્યો છે શ્વાસો તો લેતો તું જગમાં, ઋણીનું ઋણ ચૂકવી દેજે
હોયે ન હોયે સંગ કે સાથી તારું, સાથી પ્રભુને તો તું બનાવી દેજે
મિટાવીને હસ્તી તારી પ્રભુમાં, હસ્તી પ્રભુની તો તું સ્વીકારી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)