જાગશેને જાગશે પ્રભુ, તારી સૃષ્ટિમાં માનવ એવા તો જાગશેને જાગશે
હૈયાંના કણેકણમાંથી રે જેના, પુકાર તારો ઉઠાવશે, મજબૂર તને જરૂર એ બનાવશે
વિચારોના અણુએ અણુમાં પરિવર્તન એવા એ લાવશે, સમજતા સહુ તને થાશે
કર્મોની કૂંડીમાં કર્મો એવાં એ હોમશે, ફળ દેવા એનું, દોડયા દોડયા આવવું પડશે
પ્રેમની ધારા એવી એ વહાવશે, નહાશે જે જે એમાં, દર્શન તારા એ તો પામશે
તારી ભક્તિને ભક્તિના ભાવમાં, મશગૂલ એવા રહેશે, સાંનિધ્ય નિત્ય તારું એ પામશે
એકબીજાને અન્યોન્યની સમિપતા એવી સાધશે, હિંસાને દેશવટો એ તો આપશે
રહેશે સહુ સહુના કર્તવ્ય નિત્ય બજાવતા, કરુણાની જરૂર ના કોઈને તો પડશે
નજરે નજરમાંથી ખુલ્લા દિલના આવકારો, સહુ કોઈ આપશે તો પામશે
તારી સૃષ્ટિમાં પ્રભુ, આવુંને આવું જ્યાં થાશે, તારું સ્વર્ગ પણ ઝાંખુ પડી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)