છે ગુનેગાર તો તું, છે ગુનેગાર તું રે માનવ, છે પ્રભુનો તો તું ગુનેગાર
દીધી સમજવા બુદ્ધિ એણે, ના બન્યો તોય તું સમજદાર
મોકલ્યા જગમાં સહુને, બન્યો ના તું જગમાં અન્યનો સાચો સાથીદાર
રક્ષણ માગતો પ્રભુનું સદાય, બન્યો અન્યનો તું હણનાર
સંજોગો દીધા, શક્તિ દીધી, રહ્યો તોય તું કાયમનો રડનાર
દીધો સમય આ જગ જીવનનો, બન્યો તું તો સમયનો વેડફનાર
કદી હર્ષમાં આવે, કદી ઉદ્વેગમાં, છે તું તો ભાવોમાં સદા તણાનાર
જાણ્યા કંઈક, પહોંચ્યા ને પામ્યા પ્રભુને, બન્યો તું તો યત્નો છોડનાર
ચાહે છે પ્રભુ તને તો તારો, બન્યો ના અન્યનો તું તારણહાર
મુક્તિ ચાહી સહુએ, કર્યા યત્નો કાંઈક, રહ્યો તું માયામાં તો ડૂબનાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)