માંડ હિસાબ તારા જીવનનો, કર હિસાબ તું તારા જીવનનો
શું મેળવ્યું, શું મેળવતાં શું ખોયું, શું મેળવવું બાકી રહી ગયું
આવ્યો જગમાં ખાલી હાથે, ખાલી હાથે જવાનો, ના બદલી આ શકવાનો
દોડ્યો જીવનભર ધન કાજે, થોડું મેળવ્યું, થોડું ગુમાવ્યું, થોડું રહી ગયું
ના કાયમ એ તો ટક્યું, સુખદુઃખ જીવનમાં ઊભું કરતું રહ્યું
બંધાતા ગયા તાંતણા એના રે એવા, તાંતણે-તાંતણે બંધન મજબૂત થયું
સ્વાર્થ ભી રહ્યો જાગતો, દિને-દિને રૂપ એનું તો બદલાતું રહ્યું
પ્યાર એણે જગાવ્યો, પ્યાર તોડ્યો, ના કાયમ એ ટકાવી શક્યું
શાંતિ કાજે જાગે ઇચ્છા, ઇચ્છાપૂર્તિમાં શાંતિ હણતું ગયું
છે હિસાબ અટપટો જીવનનો, સમજણ છતાં, સમજ બહાર રહી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)