કોઈ ભક્તે તો ગુણલા ગાયા એવા, પ્રભુ એનાથી રિઝાયા
એના એ શબ્દો તો મેં ગાયા, પ્રભુ ના આવ્યા, તે ના આવ્યા
શબ્દોની રમઝટ ઝાઝી જામી, દેખાઈ પ્રભુને તોય ખામી
હેતે તો ભક્તે અડપલાં કીધાં, પ્રભુ મુક્તમને તોય હસી પડ્યા
એઠાં બોર શબરીનાં તો ખાધાં, મીઠાં પકવાન તો ના સ્વીકાર્યા
દુર્યોધનના રાજમહેલ ત્યજ્યા, વિદુરની ઝૂંપડીએ તો પધાર્યા
કર્યા ભક્તે જ્યાં રાતદિનના ઉજાગરા, પ્રભુ સંભાળ એની લેતા રહ્યા
કૂડકપટનાં ફળ તો જ્યાં પામ્યા, આંખમીંચામણાં પ્રભુએ તો કીધાં
સહુ કોઈ તો ભાવે ભજન ગાતા, ફરક ભાવમાં તોય દેખાતા
ભાવેભાવના તો ભેદ પરખાયા, ભાવે તો પ્રભુ સદાય રીઝ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)