કરું વાત દિન ને રાત, તને મારી રે માડી, તોય પૂરી ના એ તો થાય
માગું તારી પાસે તો સાંજ-સવાર, માગણી મારી તોય અટકી ન જાય
રોજ નહાવું, રોજ મેલો થાઉં, રોજ નાહ્યા વિના ના કાંઈ ઉપાય
રોજ યાદ કરું, રોજ ભૂલી જવાય, બની જાય ત્યાં તું નિઃસહાય
ભાવ જાગે ને ભાવ શમી જાય, આવે પાસે ને પાછી તું સરકી જાય
હોય પિત્તળ, ના એની કસોટી થાય, સોનું તો સદાય કસોટીએ ચડતું જાય
વાતે-વાતે, વૈરાગ જાગે ને ઊડી જાય, વૈરાગ્ય એ તો કેવો કહેવાય
સાચું ને ખોટું જો ના સમજાય, બુદ્ધિનો ત્યાં તો કરવો ઇલાજ સદાય
છે ‘મા’ તો પાસે ને જો એ દૂર દેખાય, હૈયાની ખામીનો કરજો ઉપાય
નજરમાં તો જો કચરો આવી જાય, માનવ-માનવમાં ત્યાં ભેદ દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)