છે જીવનની રે, જુઓ આ તો, કેવી રે કરુણતા (2)
વાણી ને હૈયાને, ગણ્યાં મેં મારાં, ના એક તો એ રહી શક્યાં - છે...
બુદ્ધિને ને ભાવને સમજ્યાં મેં મારાં, ના એક એ તો બની શક્યાં - છે...
આશા ને ઇચ્છાના રચ્યા મિનારા, ના કાબૂમાં એ તો રહી શક્યા - છે...
માન્યા જેને-જેને મેં તો મારા, દૂર ના દૂર એ તો રહી ગયા - છે...
ચાલ્યો ફૂલની પાંખડી જોઈને, કાંટા એમાં ભી ભોંકાતા રહ્યા - છે...
પ્રેમની ઝંખના ખીલી ને જાગી, વાસનાનાં ફૂલ એમાં ખીલી ગયાં - છે...
જીવનનાં અમૃત તો પીવા રે ગયો, ઝેરના કટોરા મળતા રહ્યા - છે...
આંસુઓ વહેતાં તો ના દેખાયાં, હૈયામાં આંસુઓ પીવાતાં ગયાં - છે...
ક્ષિતિજે સીમાડા એક દેખાયા, ક્ષિતિજના સીમાડા ના હાથમાં આવ્યા - છે...
ક્ષિતિજના સીમાડા પ્રભુમાં સમાયા, પ્રભુચરણમાં એ મળી ગયા - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)