નામ પ્રમાણે છે ગુણો તારા કે માડી, ગુણો પ્રમાણે છે નામ તારાં
મૂંઝવણમાં ગયો છું મુકાઈ, કયાં નામને મારે ગણવાં તો સાચાં
નામે નામે રહી ભલે તું નિરાળી, વિવિધ નામોમાં તો તું એકની એક છે
ગોતીએ વિચારોથી જ્યાં તને, વિચારમાં આવી તું તો વસે છે
ભાવોમાં જઈ ડૂબી, જ્યાં ગોતીએ તને, ભાવોથી અમને તું નીરખે છે
પ્રેમની પાંખો પસારી, કરીએ કોશિશો પામવા તને, પ્રેમભર્યું સ્મિત વેરે છે
શક્તિનું બિંદુ છે તુજમાંથી જન્મેલું, હરેક નામમાં તો તારી શક્તિ છે
અંગે અંગ દીધો છે તે તને પામવા, ના એકબીજાથી એ ઊતરતા છે
પકડું કાન મારો ડાબો કે પકડું કાન જમણો, કાન બંને તો મારા છે
પુકારું જે નામથી તને તો જગમાં, એ નામમાં શક્તિ તો તારી ને તારી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)