અજબ અજંપો જાગી ગયો, હૈયામાં તો જીવનમાં
જીવનના વહેતા વહેણને, જગમાં એ તો બદલાવી ગયો
અસંતોષના સૂતેલા સિંહને, એમાં તો એ જગાવી ગયો
કારણ વિના બન્યું બધું, કારણ એના એ તો સર્જી ગયો
અટકેલી જીવનની ગાડીનું, બળતણ એ તો બની ગયો
દુઃખદર્દ હટાવી હૈયામાંથી, ઉમંગની ભરતી એ ભરી ગયો
આંખો સામે ઘેરાયેલાં, કાળાં વાદળોને તો એ ચીરી ગયો
નયનોમાં નિત્ય નવાં નવાં નર્તન, એ તો દેખાડી ગયો
હૂંફાળી હૂંફ જીવનની ભુલાવી, હૂંફ પ્રભુની એ અપાવી ગયો
હૈયાની નાજુકતાને સ્પર્શી, પ્રભુની નાજુકતામાં પ્રવેશ કરાવી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)