નફરતની જ્વાળા ભભૂકી ઊઠશે જ્યાં એ હૈયામાં, મનની શાંતિ હરાઈ જાશે
હરાઈ જાશે જ્યાં મનની શાંતિ, જીવનની ના એમાં તો સલામતી રહેશે
પૂનમનું તેજ પણ ના દઈ શકશે શાંતિ, જ્વાળા હૈયામાં જ્યાં એની ભભૂકતી હશે
કરશે ભસ્મીભૂત જીવનમાં એ ઘણું, જ્વાળા જ્યાં જ્યાં એની તો અડશે
જગમાં પ્રગતિ તો જીવનની, એમાં ને એમાં એ તો રૂંધાતી રૂંધાતી જાશે
સમયસર ઉપાય એના ના જો લેવાશે, નુકસાન એ કરતી રહેશે
જીવનમાં અનેકોના પ્રવેશનાં દ્વાર એમાં ને એમાં એ તો બંધ થાશે
ફાયદા વિનાની જીવનમાં એ તો કસરત છે, હાનિ ને હાનિ એ તો કરતી રહેશે
હરાઈ જાશે જ્યાં એમાં મનની શાંતિ, મેળવવા કિંમત મોટી ચૂકવવી પડશે
જાગે ચિનગારી હૈયામાં એની, ઠારી દેજે, ઉપાય એના તો પહેલેથી કરજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)