નયનોમાં જે વસી ગયા છે, હૈયા વિના બીજે એને ક્યાં સમાવું
શ્વાસોની ધડકન બની ગયા છે જે, હૈયામાંથી ક્યાંથી એને તો વીસરાવું
દૂર નથી જે અંગ બની ગયા છે જે, જુદાઈ એમાં તો ક્યાંથી તો લાવું
શ્વાસોમાં સમાઈ ગયા છે જે, જીવનમાં ક્યાંથી એને તો જુદા ગણું
દુઃખદર્દમાં દિલાસા જે બન્યા, એનાં ચરણોમાં તો આંસુ પાડું
વિચારો ને વિચારોમાં જે વસી ગયા, કેમ કરી જીવનમાં એને તો વીસરાવું
પળેપળના તો અંગ જે બની ગયા, કેમ કરી જીવનમાં એને તો ભુલાવું
કર્મોની સંગતમાં જે રંગી રહ્યા, જીવનમાં ક્યાંથી જુદા એને તો પાડું
કરી કોશિશો હસતો રાખવા જીવનમાં જેણે, ક્યાંથી એને જીવનમાં રડાવું
નથી છૂપું જીવનમાં કાંઈ તો જેનાથી દર્દ હૈયાનું, ક્યાંથી એનાથી છુપાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)