મનડા મળ્યા વિના તો તનડાં મળ્યાં, અજંપો ઊભો એ કરી ગયાં
જીવનમાં જ્યાં દુઃખના તો કાંટા ખીલ્યા, વસવસો ઊભો એ કરી ગયા
આવી ના મીઠી નીંદ સુખની શૈયામાં, જીવન અંધારામાં જ્યાં જલી રહ્યાં
દેખાયો ના જગને એ દાવાનળ, હૈયાની એમાં એ તો રાખ કરી ગયા
કિસ્મતે ખેલ તો એવા ખેલ્યા, બે પંખીડાં એમાં તો જલી રહ્યાં
એક જલાવે, બીજો બુઝાવે, દીપક એવા એમાં તો જલી રહ્યા
સમજણના દીપક જ્યાં ના જલ્યા, અંધારામાં જીવન એ ડૂબી ગયાં
નજર ફેરવી જગમાં જ્યાં આસપાસ, કજોડાં આવાં ને આવાં મળ્યાં
મળ્યું ના તેજ પૂનમનું જીવનમાં, જીવન અમાસનાં અંધારામાં ડૂબ્યાં
જલે છે આ દીપક તો પ્રભુ તારા કાજે, ચાહે છે તારાં ચરણોની સેવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)