ગણ્યા જીવનમાં જેને મારા, ગણી જેને મારી કરી, ઊભી જીવનમાં એણે મારામારી
તનડાને કરી જતન સાચવ્યું, જીવનમાં લાવ્યું એ તો અનેક ઉપાધિ
મારા અહંને પાળ્યો પોષ્યો જીવનમાં, ઘણી જીવનમાં એણે લાતો મારી
આદતોને જીવનમાં ગણી મેં તો મારી, દીધી કદી મને એણે તો રોવડાવી
વિચારોને ગણ્યા જીવનમાં મેં તો મારા, રહ્યા જીવનભર મને એ તો નચાવી
બુદ્ધિને ગણી જીવનમાં જેને મેં મારી, દગો દેતા મને ના એ અચકાણી
ભાવોને ગણ્યા જીવનમાં જ્યાં મેં મારા, રહ્યા જીવનમાં મને એ તો સતાવી
મારામારીમાં વીતી જિંદગાની, નથી મારામારી જીવનમાં તો કાંઈ અજાણી
મનને ગણ્યું મેં મારું, બન્યું ના મારું, રહ્યું એ ફરતું, રઝળતો મને તો મૂકી
પડશે જીવનમાં બનવું, સુખદુઃખના સ્વામી, જાશે અટકી ત્યાં મારામારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)