છે પ્રભુ દુનિયા તમારી સારી, નથી કાંઈ એ કલ્પનાની દુનિયા તો અમારી
દીધું કંઈકને ભરપેટ સુખ, નાખ્યાં નથી સુખનાં છાંટણાં, છાબડીમાં અમારી
કંઈક કલ્પનાઓ ભરી છે મનમાં, પ્રભુ નથી તમારી દુનિયામાં એ પૂરી થવાની
રચ્યા કંઈક આશાઓના મિનારા, સૃષ્ટિમાં અમારી, તૂટયા દુનિયામાં તો એ તમારી
રચ્યું સામ્રાજ્ય અમે અમારું, સૃષ્ટિમાં અમારી, થયું છિન્નભિન્ન, સૃષ્ટિમાં તમારી
ના દુઃખદર્દને પ્રવેશી શક્યાં, સૃષ્ટિમાં અમારી, ડગલે ને પગલે મળે જોવા સૃષ્ટિમાં તમારી
મૈત્રી ને મૈત્રીની ભાવના, વિકસી સૃષ્ટિમાં અમારી, આવી નડતર એને, સૃષ્ટિમાં તમારી
કર્મોની રોકટોક વિના ચાલે છે સૃષ્ટિ અમારી, કર્મો નડે છે અમને તો સૃષ્ટિમાં તમારી
વિના અડચણે કરીએ પ્યાર, સૃષ્ટિમાં અમારી, રોકે છે જગ અમને સૃષ્ટિમાં તમારી
છે માલિકી અમારી, સૃષ્ટિની તો અમારી, છે માલિકી તમારી, સૃષ્ટિની તો તમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)